સવાલ : ચીનનો માલ આપણે ત્યાં બનતા માલ કરતાં સસ્તો કેમ હોય છે ? જવાબ : અનેક કારણોમાં પહેલું એ કે ભારતની સરખામણી ચીને ઘણા વર્ષ અગાઉ ( 1978માં આર્થિક સુધારા અપનાવ્યા પછી તરત ) આધુનિક યંત્ર સામગ્રી આયાત કરી પોતાનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મોટા પાયે વિકસાવ્યું, ચીને જથ્થાબંધ ઉત્પાદન દ્વારા પોતાના માલને સસ્તો બનાવ્યો, જેની વેચાણ કિંમત ઓછી હોવાનું બીજું કારણ એ કે ત્યાં નિકાસ માટે બનતા માલ પૂરતો વીજળીનો દર, મજૂરીનું ધોરણ, રેલવેનું નૂર વગેરે તળિયાના લેવલે છે, ચીનમાં લોકશાહી નથી, એટલે જેલના કેદીઓને પણ મહેનતાણાનો લાભ આપ્યા વગર કામે લગાડી દેવાય છે, વળી, નવતર ટેકનોલોજી વિકસાવવા માટે રિસર્ચ અને ડેવલોપમેન્ટની ખર્ચાળ જફામાં પડયા વગર તે વિદેશી પ્રોડક્ટની ડિઝાઈન બેઠી અપનાવી લે છે, જ્યારે ભારતમાં આવી છૂટછાટો તો નથી જ પણ અન્ય કેટલીક નીતિઓ તથા વિવિધ કરને લીધે આપણે ત્યાં બનતો માલ ચીન કરતાં મોંઘો બને છે અને મોંઘો વેચાય છે.