સવાલ : રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાનો શો રીતે ભોગ લેવાય છે?
જવાબ : સૌ પહેલા રેશમનું ફૂદું શેતૂરના વૃક્ષના કૂણાં પાંદડા પાર સામટા 400 ઇંડા મૂકે છે. જેમાંથી આશરે 10 દિવસે લાર્વાના સ્વરૂપે બહાર આવતી લગભગ અડધો સેન્ટિમીટર લાંબી ઈયળ પેટપૂજા માટે પાંદડા કોતરવાનું શરૂ કરે છે. રેશમની ઈયળને ફક્ત શેતૂર વૃક્ષના પાંદડા જોઈએ, બીજા વૃક્ષના ન ચાલે, દરેક ઈયળ પોતાના મૂળ વજન કરતા 50,000 ગણો ખોરાક આરોગીને ચારથી છ સપ્તાહમાં 5 સે.મી લાંબી થાય, એટલે ખાવાનું બંધ કરે અને પોતાની લાળ ગ્રંથિ વાટે પ્રોટીનના બનેલા રેષા કાઢી અને શરીરની બધી તરફ તેની આંટા ચઢાવી પોતાના સ્વૈચ્છિક કારાવાસ માટેનો કોશેટો બનાવવા માંડે, આ રેશમી ધાગા બહાર નીકળે ત્યારે ભીના અને નરમ હોય છે પણ સૂકાયા બાદ એટલી મજબૂતી ધારણ કરે કે રેશમી કાપડનું મલ્ટી લેયર જાકીટ બૂલેટરોધક તરીકે લગભગ બખ્તર જેવું કામ આપે છે.
કોશેટોમાં રેશમનો કીડો એકાદ સપ્તાહમાં કાયાપલટ પામી ફૂદાનું સ્વરૂપ મેળવે છે, પણ તેનું સ્થાન જો રેશમી કાપડના ગૃહ ઉદ્યોગ કેન્દ્રમાં હોય તો તેને કોશેટાની બહાર જીવતા નીકળવાનો અવસર મળતો નથી. ઉકળતા પાણીંમાં થોકબંધ કોશેટાને નાખી ફૂદાને ખતમ કરી દેવામાં આવે ચિ. કારીગરો ત્યારબાદ રેશમી દોરાનો છેડો શોધીને સળંગ દોરાને ફીરકા પાર વીંટી લે છે. આમ 1 મીટર કાપડ 3,000 ફૂદાનો ભોગ લે છે.
Comments
Post a Comment